ખેતી અને ખેતમજૂરી કરનારી ગરીબ શ્રમજીવી કોમનો ચૌદ વર્ષનો એક મુફલિસ છોકરો આજથી લગભગ બસો વર્ષ પહેલાં – 1784 - ઘરની કારમી ગરીબીના તનાવ નીચે ગુજરાન શોધવા કચ્છથીકપાસ ભરીને જનારા કોટિયા વહાણમાં ઓળખદાવે ચડીને મુંબઈ આવ્યો. મુંબઈમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હકૂમત ચાલતી હતી. બંદર પર વહાણોના માલની હમાલીની આશા સાથે જીવો આ ટાપુ પર ઊતર્યો. મુંબઈ આવનારા ભાટિયાઓમાં આ પહેલો મર્દ. નામ જીવરાજ બાલુ. પાસે થીંગડાદાર ગોદડી. એક જ જોડી કપડા. ખિસ્સામાં કંઇ જ નહીં.
એક વહાણ પાસે જઈને જીવો ઊભો રહ્યો. કપાસ-કરિયાણાની ચડ-ઊતર થઈ હતી. ફારસી મુકાદમે ભિખારી સમજીને એક પાઈ ફેંકી. જીવાએ કહ્યું – ‘પરદેશી છું, ભિખારી નથી. કોઇ ઓળખતું નથી. કામ જોઈએ છે. કામ કરીશ અને રોટી ખાઇશ.’
પારસીએ રોજના એકાદ આનો આપીને મજૂરોને પાણી પાવા રાખ્યો.
1843માં જીવરાજ બાલુનું 73 મે વર્ષે અવસાન થયું ત્યારે એ પચાસ લાખના આસામી હતા! અંગ્રેજ કંપની એમની પાસે વ્યાજે રૂપિયા લેવામાં ગર્વ અનુભવતી !
જીવરાજ બાલુ મુંબઈમાં પગ મૂકનાર પ્રથમ ભાટિયા હતા એમ ઇતિહાસ કહે છે. કેટલાકને મતે મોનજી ભાણજી નામની વ્યક્તિ પ્રથમ આવી હતી. જીવરાજ બાલુ આવ્ય એ જ વર્ષે રામજી અને કાનજી ચતુર નામના બે ભાઈઓ પણ આવ્યા હતા. જે હોય તે, પણ ભાટિયા અને કપોળ મુંબઈમાં પ્રવેશ કરનારા પ્રથમ ગુજરાતીઓ હતા. ભાટિયા કચ્છ અને હાલારના હતા, મુંબઈથી દૂરમાં દૂર રહેનારા ગુજરાતી હતા. જમીનમાર્ગે લૂંટારા અને સમુદ્ર માર્ગે ચાંચિયા ઉપદ્રવ કરતા રહેતા હતા, પણ કચ્છના ભાટિયા આવ્યા, આવતા ગયા, મુંબઈને વતન બનાવીને રહ્યા. અહીં પસીનો અને ધન વહાવ્યું. મુંબઈને જવાની પાઈ દીધી. જવાંમર્દીથી જીવ્યા, કમાયા અને ખુવાર થયા. ભાટિયાઓએ ‘ગુજરાતી’ શબ્દને જેટલી ગરિમા અને ઊંચાઈ આપી છે એટલી બહુ ઓછી પ્રજાઓએ આપી છે. એ જવાનીમાં મરતા ગયા. એ દસ ફીટ ઊંચા હતા. એ ખરેખર મહાજાતિ હતા અને રહેશે.
ભાટિયાઓ વિષે પાંચ પાનામાં લખવું શક્ય નથી, પાંચસો પાનાંમાં પણ લખવું શક્ય નથી. દોઢસો વર્ષો સુધી મુંબઈના ગુજરાતી ઇતિહાસ પર એમની રિયાસત છવાઇ ગઇ છે. એમના રાજપૂતી ખમીર અને કચ્છી ઝમીરને કારણે ગુજરાતી ગરદન વધારે ટટ્ટાર બની છે. મુંબઈના સત્તર લાખ ગુજરાતીઓ પર એમનું બે સદીઓનું ઋણ છે. હજી ગઇકાલ સુધી કલકત્તામાં અને લગભગ પૂર્વ ભારતમાં ગુજરાતી નામનો શબ્દ અપરિચિત હતો. ત્યાં ગુજરાતી ભાષી દરેક વ્યક્તિને ‘ભાટિયા’ કહેતા અને ‘ભાટિયાબાબુ’ ઇજ્જતનો શબ્દ હતો ! ભાટિયા રક્તની ખાનદાની, ભાટિયા મિજાજની દરિયાદિલી, ભાટિયા અવાજની સરગર્મી, ભાટિયા દિલની રોશનખયાલી આજે 1979માં પણ જોવા મળે છે ! ઇમારતો તૂટી ગઇ છે, પણ ખંડિયરોમાં દિલકશ ખૂબસૂરતી કાયમ છે. શમા બૂઝાઈ ચૂકી છે, પણ હવામાં એની ઝિલમિલાહટ લરઝી રહી છે. ભાટિયાની ગોરી ચામડીમાંથી ‘આબરૂ’ શબ્દ હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે એમ ઝરી રહ્યો છે. છાતીમાં શ્વાસ છે ત્યાં સુધી એનો આત્મા સોદાગરી રહેવાનો! એ છાતી અને જબાનનો ખેલાડી છે.
કચ્છ એ ભાટિયાઓનું વતન માત્ર નથી, કચ્છ હવે ભાટિયાઓએ ગળામાં પહેરેલો ક્રોસ છે ! કચ્છ-અબડાસામાં, કોઠારા અને તેરા એ આ પ્રજાના મૂળ સ્થાન. એક વિધાન એવું છે કે ભાટિયા સિંધમાંથી આવેલા એટલે શરૂમાં અબડાસા અને ઉત્તર-કચ્છમાં વસવાટ કરેલો. કચ્છની ઉજ્જર અને બયાબાં ધરતી રોટલો આપી શકતી ન હતી એટલે ભાટિયા દૂર મુંબઈ તરફ ફર્યા અથવા દરિયો ઓળંગીને આફ્રિકા ગયા, પણ પાકા હિન્દુ હતા અને રહ્યાં.
1840માં જંગબાર ને ઝાંઝીબારની કસ્ટમ-મહેસૂલ વસૂલાત કરવા માટે સુલતાને કચ્છી ભાટિયા માધવજી ટોપણને નિયુક્ત કર્યા હતા. 1850માં આ કામ કચ્છ-મુંદ્રાના જેરામ શિવાજીની પેઢીને હસ્તક હતું. આ જ પેઢી તરફથી સુખ્યાત લઘા દામજી કામ કરતા હતા. કચ્છના મહારાજઓના આદેશથી ગુલામોનો વ્યાપાર બંધ કરવામાં એમણે મોટું કામ કર્યું હતું. પૂર્વ આફ્રિકામાં ઘણાં ખરાં બંદરોમાં આરબ હાકેમો અને સૂબેદારો ફોજી દસ્તાવેજો સાથે થાણા નાખતા અને જકાત-વસૂલી અધિકારીઓ તરીકે વિશ્વાસપાત્ર ભાટિયા સેવા બજાવતા. જંગબારના પ્રથમ સુલતાનના દીવન પણ એક ભાટિયા ગૃહસ્થ હતા. કહેવાય છે કે જેરામ શિવજીએ એકવાર એક જ ધડાકે સાત હજાર ગુલામોને મુક્ત કરી દીધા હતા!
મુંબઈમાં ભાટિયા પાણીમાં માછલાની જેમ વિહાર કરતા થઈ ગયા...
કચ્છડો ખેલે ખલકમેં,
મહાસાગર મેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે,
ઉને ડિયાણી કચ્છ....
મુંબઈ નાનું કચ્છ બની ગયું. એક પછી એક ઘરાણાં અહીં આવતાં ગયાં અને કબજો જમાવતાં ગયાં. લગભગ દરેક સફળતાનો એક જ ગ્રાફ છેઃ અહીં આવ્યા, તનતોડ પરિશ્રમ કર્યો, ધંધા ખતલા ગયા, પછડાતા પણ ગયા. તે ઇમાનદારીથી પૈસેપૈસો ચૂકવીને, ચુસ્ત વૈષ્ણવી, હિન્દુ ધર્મને કીર્તિ અપાવી. જે સમાજમાંથી કમાયા એ સમાજને મુઠ્ઠીઓ ભરીને દાન-અનુદાન-સખાવતો આપી, તૂટ્યા તો પણ કમરથી નહીં, પણ ગરદનથી! એમની ગરદન ઝૂકી નહીં, ફક્ત તૂટી ગઈ.
દરેક ભાટિયા પરિવારનો એક રોમાંચક અને દિલચશ્પ ઇતિહાસ છે. શક્ય નથી બધા વિષે લખવાનું, પણ એક માણસની વાર્તા કદાચ આ પ્રજાના મિજાજનું સારું ઉદાહરણ આપે છે. એ મથુરાદાસ ગોકળદાસ. શેરબજારના શહેનશાન અને રેસકોર્સના રાજા, જેમને ઘણીવાર ‘ભાટિયા નેપોલિયન’ કહેવામાં આવે છે. 1870 માં જન્મ્યા અને 68 વર્ષે 1938માં સ્વર્ગવાસી થયા.
કરોડોની દોલત થઈ. એ જમાનામાં વર્ષે પાંચ લાખનો ઇન્કમટેક્સ ભરતા જ્યારે ટેક્સ સાવ મામૂલી હતો ! બેકબેનો સમુદ્ર પુરવાની યોજના એમણે વિચારી હતી. દિવાળીમાં લાખ ગાંસડીના ‘મુહૂર્ત’ના સોદા કરે ! મોઢામાં ચિરૂટ અને આસપાસ બજારોના એકસો દલાલો ડાયરો જમાવીને ઊભા હોય.
એમનો મિડલટન ઘોડો 107 રેસો જીતેલો! એમનો પાર્થ ઘોડો ઇંગ્લેન્ડની વિશ્વવિખ્યાત ડરબીમાં આવેલો. દુનિયાભરમાંથી ઘોડા ખરીદતા. કહેવાય છે કે એક વાર ગવર્નરની બગીની આગળ એમની ઘોડાગાડી નીકળી ગયેલી. એ પછી કાયદો આવ્યો કે વાહનો ડાબી તરફ જ ચલાવવાં! એમની રોલ્સ-રોઇસ મોટરગાર ગવર્નર પણ મંગાવતા. પડછંદ રોબદાર શરીર, ચુસ્ત સનાતની વૈષ્ણવ, અમીરી દિલોદિમાગ, અચ્છા અચ્છા અંગ્રેજ અફસરો અને રાજા મહારાજા એમના નિવાસ પર આંટા મારે.
અંતે કિસ્મતનું ચક્ર ફર્યું. બધું મોરગેજ મુકાતું ગયું, વેચાતું ગયું. ઝવેરાત,. મિલો, જાનથી પ્યારા ઘોડાઓ, શેર, મિલકત! કહેવાય છે કે એક દિવસમાં એમણે એક કરોડ રૂપિયા ચૂકવેલા એ જમાનામાં ! ગાર્દિશે-આસ્માની ફૂંકાતી ગઈ અને એક દિવસ બપોરે સાડા ત્રણ વાગે મથુરદાર ગોકુળદાસે પરિવારના સભ્યોને કહ્યું – ‘હું જીતી ગયો રેસ, હવે જઉં છુ!’ કિસ્સો ખતમ થયો. જમાના બડે શૌક સે સુન રહા થા... હમીં સો ગયે દાસ્તાં કહેતે કહેતે...
પણ એમની દાસ્તાં જીવે છે, એમની એકની એક પુત્રી જમનાબાઈમાં! શેઠ નરોત્તમ મોરારજીના એકના એક પુત્ર શાંતિકુમાર સાથે પુત્રીનો વિવાહ કરવામાં આવ્યો. આજનો જમાનો આંખો ઝબકાવ્યા વિના પુત્રીની દાસ્તાં પણ સાંભળી રહ્યો છે. એ જમનાબાઈ આજે સાસરાના નામ સુમતિબહેન મોરારજી તરીકે મશહૂર છે. હા, સુમતિબહેન મોરારજી, જેમનો વિશ્વ જહાજ ઉદ્યોગ એક મર્તબો રાખે છે.
ઉત્તર ભારતના ભટ્ટી કે ભાટી અને ગુજરાતના ભાટિયા એક જ રક્તબીજના છે. ઉત્તરમાં ભટ્ટી હિન્દુ અને મુસ્લિમ બંને છે. ગુજરાતમાં ભાટિયા મુસ્લિમ અટક નથી. મૂળ એ રજપૂત હતા અને એમનામાં ક્ષત્રિય ગુણો હતા. શાસ્ત્રની દૃષ્ટિએ એ ચંદ્રવંશી-યદુવંશી છે. અત્રી ગોત્ર, ઋગ્વેદની આશ્વલાયન શાખા – અને એમને યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર છે. જેસલ માતાના મંદિરે અનુષ્ઠાન કરતાં માતાએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તમે યજ્ઞની ભઠ્ઠીમાં તમારાં શિર અને પ્રાણ આપવા તૈયાર થયા છો માટે ભટ્ટી સંજ્ઞા ધારણ કરો. તમે પ્રખ્યાત થશો, નવાં નગર વસાવશો. મેં તમારી આશા પૂર્ણ કરી છે માટે ‘આશાપુરી દેવી’ નામથી કચ્છ દેશમાં જઈને મારી પ્રતિષ્ઠા કરો.
જેસલમેરથી ભટ્ટી પ્રજા નીકળી એની આ દંતકથા ! કહેવાય છે કે ‘જેસલ મહેર’ નામ આપવાથી અને ત્યાં કિલ્લો બાંધવાથી એ સ્થાનનું નામ જેસલમીર પડ્યું. ત્યાં અજયરાજ ભટ્ટીનો વંશ શરૂ થયો જે હજી સુધી ચાલતો હતો. આ ભાટી કે ભટ્ટી પ્રજા ફેલાતી ગઈ – સિંધ, મુલતાન, પંજાબ અને કાબુલ સુધી! પંજાબના શિખ રાજા રણજિતસિંહ પણ ભટ્ટી હતા.
ભાટિયા
જેસલમીર છોડ્યા પછી ભટ્ટી રાજપૂતો જુદે જુદે સ્થાને વસી ગયા. અન્ય રાજપૂત કુળો સાથેનો એમનો સંબંધ-વ્યવહાર ઓછો થતો ગયો. પુત્રીઓ પરણાવવાની મુશ્કેલી ઊભી થઈ મુલતાનમાં બ્રહ્મ સભા બોલાવવામાં આવી અને નુખો કે જાતિઓ નક્કી કરવામાં આવી. કુલ અને એમનાં વર્ણ દુહા સ્વરૂપે ભટ્ટીઓના કુલગોજ જસા ભાટે કર્યા છે. આ નુખોમાંથી થોડાં નામોઃ ગાજરિયા, સાપટ, નેત્રી, રામિયા, નાગડા, કજરિયા, ઠક્કર, રાજા, કપૂર, આસરા, મોટા આદિ.
રાય સાપટનું વર્ણન કરતાં જસા ભાટે કહ્યું છેઃ મલીમાં સાપટા નામે ગામમાં રહેનારા સાપટ કહેવાય. મુખી ખેમાજી આદિ બધાના મળીને 25 ઘર મળ્યા પછી-
દેવી દેવી જપત રહે, મનમાં રાખે ગર્વ.
મિત તપ આદર કરે, તન મેં રાખે તર્વ.
આ લોકો દેવી દેવી જપતા અને કોઈને નમે નહીં એવા ટેકી હતા. મન મળ્યા પછી વિવેકી હતા, પણ એ પહેલાં તનનો મરોડ તજતા નહીં!
આજે પણ ભાટિયાઓમાં આ લાક્ષણિકતા, જસા ભાટના વર્ણને સાર્થ કર એવી જ દેખાય છે!
ભાટિયા નાની જાતિ છે, વસતીની દૃષ્ટિએ! 1929 ની જ્ઞાતિ-ગણતરી પ્રમાણે એમની કુલ વસ્તી 14,714 હતી! 1940 માં પ્રકટ થયેલા વસતી ગણતરીના અહેવાલ પ્રમાણે એ સંખ્યા વધીને 18,944 થઈ, અર્થાત 28.6 ટકા વધી. વસતી વધારો પ્રમાણમાં સીમિત રહ્યો છે.
પણ 1940 ના વસતી પત્રકમાં ભાટિયાઓએ કરેલા 135 ટ્રસ્ટોની સૂચિ આપેલી છે! આ ટ્રસ્ટો ભારતભરમાં મશહૂર છે. કરોડો રિપયા જે હેતુઓ માટે વપરાયા છે એમાંના કેટલાકઃ મહારાજના વપરાશ માટે જગ્યા, ગાયો અને ગૌશાળાઓને ઘાસચારો, ગરીબ ભાટિયા સ્ત્રીઓને સહાય, બોર્ડિંગો, બાળાશ્રમ, વિધવાગૃહો, અંધશાળા, ધર્મશાળા, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, પુસ્તકો તથા ઉચ્ચ શિક્ષણ માટેની સુવિધાઓ, કબૂતરને ચણ, બ્રાહ્મણોને ભોજન, સેનેટોરિયમ, મંદિરોનો જીર્ણોદ્ધાર તથા એમને માટે સામગ્રી, વૈષ્ણવોને ભોજન, હુન્નર ઉદ્યોગ, ગૃહ ધર્માદા દવાખાનાં, કૂવાઓ, કૂતરાને રોટલા, સંસ્કૃત પાઠશાળા, જ્ઞાતિની કુંવારિકાઓને લગ્ન સમયે મદદ, સદાવ્રત વગેરે.
મુંબઈના ટાપુને માછીમારોની બસ્તીમાંથી વિશ્વના મહાન સંસ્કારકેન્દ્રમાં પલટાવવામાં પારસીઓની જેમ ભાટિયાઓનું વિરાટ યોગદાન રહ્યું છે.
ભાટિયા પુષ્ટિમાર્ગી છે. 16મી સદીમાં શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલા વૈષ્ણવ ધર્મના આ અનુયાયીઓ છે. કપાળમાં અંગ્રેજી ‘યુ’ આકારનું તિલક કરતાં. એમના દેવ છે ‘શ્રીનાથજી’ અને સ્થાનક છે મેવાડનું નાથદ્વારા. એમનું હિન્દુત્વ વધુ કટ્ટર અને સશક્ત છે.
એમની આધુનિકતા પણ એટલી જ ધ્યાનાકર્ષક છે. નરોત્તમ મોરારજી ગોકુળદાસ 1913માં પ્રથમ વાર ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારે એમણે પહેલી વાર ‘હવાઈ વિમાન’માં સહેલ કરી હતી! વિમાનપ્રવાસ કરનાર આ પ્રથમ ભારતીય હતા અને એ માટે એમનો ફોટો ‘લંડન ટાઇમ્સ’માં છપાયો હતો. આ જ રીતે ઠાકરસી મૂળજીના ચોથા પુત્ર પ્રાગજી ઠાકરસીએ એ જમાનામાં વિલાયતથી ટેલિસ્કોપ મંગાવીને એમના બંગલામાં ગોઠવ્યું હતું!
ભાટિયાઓએ મુંજબઈને શું આપ્યું છે ?
મુંબઈની ઘણીઘરી પ્રખ્યાત કાપડની માર્કેટો ભાટિયા વ્યાપારીઓનાં નામો પર છે. કાપડ ઉદ્યોગના એ પ્રાણ હતા અને હજી પણ છે. ખટાઉ, મોરારજી અને ઠાકરસી નામો ભારતભરની ગૃહિણીઓના બેડરૂમના કબાટોની અંદર સુધી પહોંચી ગયાં છે. સાત સમંદરો પર સિંધિયા સ્ટીમશીપનાં વિરાટ જહાજો ભાટિયા સાહસના પ્રમાણરૂપે વહી રહ્યાં છે. લોખંડના કારખાનાં હોય કે હાઇકોર્ટની પાસેના જૂનાં મકાનોમાં સોલિસીટરોની ફર્મો હોય, બેન્કો હોય, બિહારની ધગધગતી ધરીના પેટાળમાં કોલસાની ખાણો હોય – ભાટિયા પચાસ વર્ષ પહેલાં પહોંચી ગયા છે. રૂ બજાર હોય કે નાણાંબજાર હોય કે અન્ય કોઇ પણ બજાર હોય, આ છાતીવાળી કોમે આસમનના તારાઓના નિશાન લઈને ગોળીઓ ફોડી છે. વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય, આયાત-નિકાસ, મિલો, કારખાનાં.. સાહસનું કોઈ પણ ક્ષેત્ર. જ્યાં પાણી અને પત (પ્રતિષ્ઠા) માપવાનાં હોય ત્યાં એમણે ફાટેલા ઝંડા લઈને કેસરિયાં કર્યા છે અને પાણીપત જીત્યા છે.
પણ માત્ર આ માટે જ ભાટિયા જાતિ જીવી નથી. એમની યાદગાર ચીજો છે એમની ઉદારવૃત્તિ, એમની સખાવતો, એમનાં અનુદાનો.
ગોકળદાસ તેજપાલે જી. ટી. હાઈસ્કૂલ બનાવી. એમની કુલ સખાવત હતી 17 લાખ રૂપિયા! દોઢ લાખની જી. ટી. હોસ્પિટલ બની. બે લાખ જી. જી. બોર્ડિંગ માટે આપ્યા. આ જી. ટી. બોર્ડિંગમાં કોણ કોણ ભણ્યા હતા ? પરીક્ષિતલાલ મજુમદાર, પ્રભાશંકર પટ્ટણી, મહાદેવ દેસાઇ, મોરારજી દેસાઇ અને બીજા કેટલાય! કન્યાશાળાઓ, પાઠશાળાઓ, સ્કોલરશીપો જુદી.
લખમીદાસ ખીમજીના નામની માર્કેટ છે. ગોરધનદાસ સુંદરદાસ નામના વ્યાપારીએ આપેલા દાનમાંથી બની જી. એસ. મેડિકલ કોલેજ! વલ્લભદાસ કરસનદાસે બનાવેલી ભાટિયા હોસ્પિટલ મુંબઈની મુખ્ય હોસ્પિટલોમાં છે. એક જમાનામાં જ્યાં વિખ્યાત ચાઇનાબાગ હતો ત્યાં આજે સિક્કાનગર ઊભું છે. મહાબળેશ્વર ખીલવવામાં મોરારજી ગોકુળદાસનું પ્રદાન બહું મોટું છે. ત્યાં જ પચાસ હજારની સખાવતથી મોરારજી ગોકુળદાસ હોસ્પિટલ બની છે. 1868 માં ઠાકરસી મૂળજી પરિવારે તત્કાલીન પ્રસિદ્ધ વ્યાપારી મૂળજી જેઠા સાથે મળીને એક વિરાટ માર્કેટ બાંધવાનું નક્કી કર્યું – પરિણામે એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ અસ્તિત્વમાં આવી.
ઠાકરસી મૂળજીનો ઠાકરસી-પરિવાર ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બન્યો છે. એમના એક પુત્ર દામોદર ઠાકરસી! દામોદરના પુત્ર સર વિઠ્ઠલદાસ અને માધવજી. નાના ભાઈ માધવજીના બે પ્રખ્યાત પુત્રો – કૃષ્ણરાજ અને વિજય, જેમને દુનિયા વિજય મરચન્ટ તરીકે ઓળખે છે. દામોદર શેઠનાં પત્ની અને સર વિઠ્ઠલદાસનાં માતુશ્રી એ નાથીબાઇ જેમનાં નામ પર પંદર લાખનું દાન કરીને શ્રીમતી નાથીબાઇ દામોદાર ઠાકરસી વિશ્વવિદ્યાલય અથવા એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સ્ત્રી-શિક્ષણનું આ વિશેષ અનુષ્ઠાન છે. એ જ પરિવારના હંસરાજ પ્રાગજીનાં ધર્મપત્ની સુંદરબાઈ નામનો સુંદરાબાઈ હોલ પ્રસિદ્ધ છે. અંધેરીની કોલેજ તથા અન્ય શિક્ષણ પ્રતિષ્ઠાનો પણ એમનાં જ દાન છે. ભારતના ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સુધીર કૃષ્ણરાજ ઠાકરસી પણ આ જ પરિવારના છે. કેટલાકના મતે સર વિઠ્ઠલદાસ આ કુળના સૌથી પ્રતાપી પુરુષ હતા. અને વિજય મરચન્ટ ? ભારતીય ક્રિકેટમાં વિજય મરચન્ટ કોઈ વ્યક્તિનું નહીં, પણ એક સંસ્થાનું નામ છે. આ જ પરિવારની એક મહિલા લેડીઝ ટેનિસમાં ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચી હતી. ઠાકરસી પરિવાર જેટલું ભાગ્યે જ કોઈ પરિવારે ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે!
એક નાની પણ જરા રસિક વાતઃ સર વિઠ્ઠલદાસનાં ધર્મપત્ની લેડી પ્રેમલીલા એમનાં ત્રીજા પત્ની હતાં. પ્રથમ પત્ની લીલા અને બીજી પ્રેમકુંવરનાં નામો જોડીને આ ત્રીજી પત્નીનું નામ પ્રેમલીલા પાડવામાં આવ્યું હતું !
એક નાની પ્રજા. મોટાં મોટાં નામોવાળી એક નાની પ્રજા એટલે ભાટિયા જાતિ. પ્રસિદ્ધ ઘરાણાંઓની સૂચિ મુંબઈના આર્થિક-સામાજિક ઇતિહાસની ‘હુઝ-હુ’ જેવી લાગે છેઃ જીવરાજ બાલુ, તેજપાલ પરિવારના ગોકુળદાસ તેજપાલ, મૂળજી જેઠા પરિવારના ધરમસી સુંદરદાસ અને ગોરધનદાસ સુંદરદાસ, લખમીદાસ, ખીમજી, મોરારજી, નરોત્તમ મોરારજી, ખટાઉ પરિવારના ખટાઉ મકનજી, ગોરધનદાસ ખટાઉ અને ધરમસી ખટાઉ, ઠાકરસી પરિવારના લગભગ બધા જ, વસનજી પરિવારના મથુરદાસ વસનજી, ‘રેસકોર્સ’ના પરિવારના મથુરદાસ ગોકળદાસ અને એમની સુપુત્રી સુમતિબહેન મોરારજી, કરસનદાસ નાથા અને... અને...
બીજાં પ્રસિદ્ધ નામો પણ છે જેમણે વ્યવાસ સિવાયનાં ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. સાહિત્ય અને નાટ્યજગતમાં પ્રાગજી ડોસા એક અત્યંત સન્માનીય નામ છે. એમના ભાઇ આણંદજી ડોસા ક્રિકેટના આંકડાશાસ્ત્રી છે. મનુ સૂબેદાર અર્થશાસ્ત્રી હતા અને સસ્તું સાહિત્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. રતનસી ચાંપસી ભારત પ્રસિદ્ધ સામાજિક કાર્યકર હતા. રાજનીતિના ક્ષેત્રે મુંબઇ રતનસિંહ રાજડાને ઓળખે છે. એ લોકસભાના જનતા પક્ષા પ્રતિનિધિ હતા. કથાકાર સરોજ પાઠક પણ ગુજરાતની પ્રમુખ સ્ત્રી લેખિકા છે. સુગમ સંગીત અને ગરબા-જગતને માટે મધુર તર્જો આપનાર કિરણ સંપત વર્ષોથી પરિચિત છે અને ગયે વર્ષે સ્વરૂપ સંપતે ‘મિસ ઇન્ડિયા’નો ગઢ સર કરીને એક નવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.
મિસ ઇન્ડિયાના પિતા અને આઇ.એન.ટી.ની નાટ્ય-પ્રવૃત્તિના સૂત્રધાર બચુ સંપત ગર્વથી કહે છેઃ અમારી નસ કાપો તો અંદરથી ‘બ્લ્યૂ બ્લડ’ (ખાનદાની રક્ત) વહેશે! ભાટિયા ખૂનની પણ એક જુદી તાસીર છે